શનિવારે મહા સુદ પાંચમે વસંતપંચમીની વણજોયાં મુહૂર્તની તિથિ છે. ભારતીય પરંપરા અનુસાર આ તિથિને હંમેશ માટે લગ્નાદિ મંગળ કાર્યો માટે શુભ માનવામાં આવી છે. વસંતપંચમીના દિવસે શહેરમાં અંદાજે ૩૦ હજાર લગ્ન યોજાશે. શનિવારે વસંતપંચમી છે, પરંતુ વસંત ઋતુનું આગમન ૨૬ દિવસ પછી થશે.
ભારતીય સંસ્કૃતિ અને પરંપરા અનુસાર વસંતપંચમી અને વસંત ઋતુનું ર્ધાિમક તથા આધ્યાત્મિક માહાત્મ્ય છે. પવિત્ર ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે, 'ઋતુઓમાં હું વસંત છું'. જ્યોતિષશાસ્ત્ર અને પંચાંગ ગણિત અનુસાર પાંચમ, દસમ અને પૂનમ એ ત્રણ તિથિ પૂર્ણાતિથિ ગણાતી હોવાનું પંચાંગ વિષયના અભ્યાસુ ખગોળવિદ્ ભૂપેન્દ્ર ધોળકિયાએ જણાવ્યું હતું કે અધ્યાત્મ વિશ્વમાં પણ 'પંચ ત્યાં પરમેશ્વર'ની કહેવત અનુસાર પાંચની સંખ્યાને પવિત્ર માનવામાં આવી છે. વસંતપંચમીને શ્રીપાંચમ પણ કહે છે. આ દિવસે મા સરસ્વતિની પૂજા અને જ્ઞાાનપાંચમનું શ્રેષ્ઠ મુહૂર્ત ગણાય છે. જ્યારે શૃંગાર રસની દૃષ્ટિએ આ પંચમીને મદન પંચમી પણ કહે છે. વસંતપંચમીએ વણજોયું મુહૂર્ત હોવાથી આ દિવસે લગ્નગ્રંથિથી જોડાવાનું પણ એક આકર્ષણ રહેલું હોય છે, જેને પગલે અમદાવાદમાં શનિવારે ૩૦ હજાર જેટલાં લગ્ન યોજાશે.
ઋતુવિજ્ઞાાનની દૃષ્ટિએ ૬ ઋતુમાંની વસંત ઋતુ સૂર્યના સાયન મીન અને સાયન મેષ રાશિના ભ્રમણ દરમિયાન એટલે કે ૧૯ ફેબ્રુઆરીથી ૨૦ એપ્રિલ સુધી રહે છે. આથી, ભારતીય કેલેન્ડરમાં અધિક માસ આવે તે વર્ષે વસંતપંચમી ૧૯ ફેબ્રુઆરી કરતાં વહેલી આવતી હોય છે. તે રીતે આ વર્ષે પણ વહેલી છે. સામાન્ય રીતે આ દિવસથી વસંત ઋતુનું આગમન થતું હોય છે, પરંતુ આ વર્ષે અધિક માસ હોવાથી શનિવારે વસંતપંચમી છે, પરંતુ વસંત ઋતુ ૨૬ દિવસ પછી શરૂ થશે. આવતા વર્ષે ૧૨ ફેબ્રુઆરી ને શુક્રવારે વસંતપંચમી આવશે.
No comments:
Post a Comment